👉 પક્ષીઓના માળા વિશેની અજીબોગરીબ વાતો -
" પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે રે....
ઘડીભર તમે કોઇ કરશો મા કલશોર,
ત્યાં તો હમણાં સુરજ ઉગશે રે. "
કવિ દુલા ભાયા કાગે પંખીના મેળાની ઉપમા આપીને જીવનની વાસ્તવિકતા ભાખતી અદ્ભુત કવિતા લખી છે.જીવન આમેય પંખીઓના માળા જેટલું જ જટિલ છે.પણ જીવનની જટિલતાઓને ઘડીભર ભુલી જઇને આપણે પંખીઓના માળાની જટિલતા જોઇએ.જુઓ તો ખરાં યાર....એની પણ અલગ મસ્તી છે હો !આવો જાણીએ એમના માળા વિશેની અજીબ વાતો -
- આપણે બધાંને ખબર છે એમ કોયલને માળો બાંધતા આવડતું નથી."પારકાં પૈસે લીલાલેર" કરવાની કોયલને આદત છે.કાગડો જ એના પનોતા સંતાનોને સાચવે છે.પણ કોયલની જેન વાબગલી નામના દરિયાઇ પક્ષીને પણ માળો બાંધતા નથી આવડતું.એક જાતની વાબગલી ઝાડની ડાળ પર સાવ ખુલ્લામાં પોતાનું ઇંડું મુકી દે છે !! તો બીજી એક જાતની વાબગલી નાળિયેરીના પાનની દાંડી પર ઇંડું મુકે છે ! યે મહલ બાંધને કી કલા હમ ક્યાં જાને બાબુ મોશાય....!!
- અમુક પક્ષીઓ તેનો માળો બનાવવા ગજબની વસ્તુઓ વાપરે છે.'ડૂબકી બતક' નામની બતક તળાવના પાણી પર તરી શકે વેલાં ભેગા કરી નાનો તરાપો બનાવે છે.અને તેના પર ઇંડા મુકે છે.આ તરાપો તેનો માળો !
- 'હેરબર્ડ' નામનું પક્ષી માત્ર ઘોડાની પૂંછડીના ખરી પડેલાં વાળ ભેગાં કરીને માળો બાંધે છે !
- તો મુંબઇના નાગરિક એવા કાગડાએ તો દાટ વાળી દીધેલો.આ મહાશયે માત્ર ચશ્માની જ પાત્રીસ-ચાલીસ ફ્રેમ ભેગી કરીને માળો બાંધેલો.બાજુમાં જ ચશ્માની દુકાન હતી અને કાગડો દુકાનદારને ખબર ન પડે તેમ ચુપચાપ દુકાનમાં ઘુસીને નવીનકોર ફ્રેમો ચોરી લાવતો ! આનાથી તેના સંતાનોને આંખના નંબરની તકલીફ નહિ પડે એવું કાગડાએ માન્યું હોય તો ભલે !
- દોરી વડે સાવ અધ્ધર લટકતો માળો હોય ખરો ? હા યાર યહાં સબ કુછ હો સકતા હૈ ! 'હર્મિટ હમિંગબર્ડ' નામનું પક્ષી વજનમાં સાવ હલકો માળો બનાવે છે અને પછી કરોળિયાના જાળાના અનેક તાંતણા ભેગા કરીને દોરી વણે છે.માળાની ઉપર તે દોરી બાંધી તેને ડાળ પર લટકાવે છે.હમિંગસર ! આપની બુધ્ધિને સો સો સલામ પણ આ રીતે માત્ર ઉપરની સાઇડેથી દોરી વડે લટકાવેલો માળો સ્થિર થોડો રહે ! એતો જરીક પવન વાય એટલે આમ હિંચકા ખાય ને તેમ ખાય.તમારા બેબી બિચારા ગભરાઇને મરી જાય.પણ હમિંગસર જેનું નામ ! એની પાસે આ પ્રોબ્લેમનુંય સોલ્યુશન છે.માળાની નીચે તે વજન લટકાવે છે.એટલે સમતુલા જળવાઇ રહે અને માળો સીધો રહે ! હવે આવા ફિઝીક્સના માસ્ટરને 'સર' જ કહેવાય ને ! કાશ હમિંગ સર તમે અમને ફિઝીક્સ ભણાવતા હોત તો અમારે દ્રવ્યમાન કેન્દ્રના દાખલાઓમાં લોચા ન પડત !
- 'કાનકડિયા'નું નામ સાંભળ્યું છે ? અંગ્રેજીમાં એને 'સ્વિફ્ટ' કહેવાય છે.એના એક માળાની કિંમત છેત - ૬૦૦ રૂપિયા ! અરે ભાઇ એવા ગંધારા માળામાં તે શું હોય જેની આટલી બધી કિંમત ઉપજે ? જવાબ - "એમાં કાનકડિયાનું થૂંક હોય છે !!"જ્યારે માળો બનાવવાનો વખત આવે ત્યારે કાનકડિયાના મોંમા ખુબ મોટા પ્રમાણમાં લાળ પેદા થાય છે.અને માત્ર આ લાળ વડે જ તે માળો બનાવે છે.શરૂઆતમાં લાળ પ્રવાહી હોય પણ સુકાયા પછી ઘટ્ટ બને.આ માળા ચીનાઓને બહુ ભાવે ! કાનકડિયાની લાળનો જથ્થો જોયા પછી એના મોઢામાં લાળ છુટે.આ માળાનો સુપ તેમને અત્યંત પ્રિય.તેઓ પાણી ગરમ ચુલે ચડાવીને તેમાં આખેઆખો માળો હોમી દે એટલે સ્વાદિષ્ટ સુપ તૈયાર ! તમને જાણીને નવાઇ લાગશે પણ ઇન્ડોનેશિયા દર વર્ષે અંદાજે ૧૦૦ ટન આવા માળા હોંગ કોંગને નિકાસ કરીને બદલામાં ૨.૫ કરોડ ડોલર કમાય છે ! હોંગ કોંગમાં કાનકડિયાના માળાનુંં સુપ વખણાઉ આઇટમ છે.બાઉલ સુપની કિંમત ખબર છે ? પુરા અઢી હજાર રૂપિયા !
આવી વાતો છે આ ગગનમાં વિહરતાં પંખીડાઓના મહેલરૂપી માળાઓની !
અરે કબ તક રહોગે ઉદાસ,અકેલેમેં !
કુછ દીન તો ગુજારો પંખીઓ કે મેલેમેં !
- ગુજરાતી ગુંજારવ